આદિવાસી "વારલી આર્ટ" કળામાં નિપુણતા પ્રાપ્ત કરનાર દિકરી : દિવ્યાબેન પટેલ

  


આદિવાસી "વારલી આર્ટ"  કળામાં નિપુણતા પ્રાપ્ત કરનાર દિકરી : દિવ્યાબેન પટેલ

આજે ભદ્ર સમાજમાં અને ખાસ કરીને રાજકીય કાર્યક્રમોમાં મહેમાનોને સ્મૃતિભેટ આપવાના શિષ્ટાચારમાં સામાન્ય રીતે રાજયની આગવી ઓળખ હોય એવી કલાકૃતિ આપવામાં આવતી હોય છે. ગુજરાત રાજયમાં આજ સુધી રાજદ્વારી શિષ્ટાચારમાં હજુ થોડા વર્ષો પહેલાં અમદાવાદની પ્રસિધ્ધ સીદી સૈયદની જાળી જેવી ઐતિહાસિક ઓળખ ધરાવતી કલાકૃતિઓ આપવામાં આવતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ ગુજરાતની આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ ધરાવતી "વારલી આર્ટ" ની કલાકૃતિની ભેટ આપવામાં આવે છે. હવે તો રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય રાજદ્વારી મહેમાનોને પણ સરકારશ્રી દ્વારા પણ વારલી આર્ટની કલાકૃતિ સ્મૃતિ ભેટ આપવામાં આવી રહી છે જે આપણા આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે તેમાં પણ આવી વૈવાધ્યપૂર્ણ કલાકૃતિઓ તૈયાર કરનાર ધોડિયા સમાજના કલાકાર હોય તો એનું ગૌરવ બેવડાય જાય છે.



મૂળ વાંસદા તાલુકાના સિણધઈ ગામના રહેવાસી દિવ્યાબેન દ્વારા વારલી આર્ટમાં કુશળતા મેળવી છે. દિવ્યાબેનએ એમ.એસ.સી (બાયોટેકનોલોજી), એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે તેમણે તેમના શોખને વ્યાવસાયિક રૂપ આપીને આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર વારલી આર્ટને ઓળખ અપાવી છે. તેમની વારલી આર્ટની કલાકૃતિઓ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવોને અપાઈ ચુકી છે. 

તેમણે ઉનાઈ ખાતેના પોતાના કાફેને આદિવાસી સંસ્કૃતિનો લૂક આપવા માટે વારલી કલાનો ઓપ આપીને સજાવટ કરી અને તેમના કાફેમાં આવતા કે ત્યાંથી પસાર થતા લોકોને તે સજાવટ ખૂબ ગમી અને ત્યાંથી ધીમે ધીમે તેમને પોતાની કલાનો વિસ્તાર કરવાની તક મળી, તેમને હોટલ અને ઘરની સજાવટ કરવા માટેના ઓર્ડર મળવાના શરૂ થયા, તેમણે તેમની જેમ વારલી આર્ટના કલાકારોનો સંપર્ક કરીને વારલી આર્ટને વ્યવસાયિક રૂપ આપવાનું નક્કી કર્યું અને તેના માટે સોસિયલ મિડિયાનો સહારો લીધો અને દ્વિજ વારલી આર્ટનો પ્રચાર અને પ્રસાર શરૂ કર્યો.

 જે ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા નોંધ લઈને તેમના ફેસબુક પેજ તૈયાર કરાવી આપ્યું અને તેમને ધીમે ધીમે દેશ વિદેશથી ઓર્ડર મળવાના શરૂ થયા. તેમણે શાળાઓના બાળકોને પણ વારલી આર્ટની સમજ આપીને તેમાંથી આવક ઉભી કરવાની સમજ આપી છે, તેમણે યુવાનોને વારલી આર્ટ શીખવવાની પણ તૈયારી દર્શાવેલ છે. તાજેતરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાયેલ યુવા મહોત્સવમાં તેમને નિર્ણાયક તરીકેનું સન્માન પણ મળેલ છે. 

વાંસદાના ખ્યાતિ પ્રાપ્ત એવા ડાંગી રેસ્ટોરન્ટની વારલી આર્ટથી સજાવટ તેમણે કરેલ છે. તેમની કલાને આજે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આવકાર મળી રહ્યો છે તે માટે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ તેમને અભિનંદન પાઠવે છે અને તેમની આ સિદ્ધિ બદલ ગૌરવ અનુભવે છે સાથે સાથે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવે છે.

માહિતી સ્રોત: શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ 


Post a Comment

0 Comments